સિક્કિમનું પાટનગર ગંગટોક છે. ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે. સિક્કિમ ગોઆ પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય છે. અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે. સિક્કિમના મૂળ રહેવાસીઓ લેપ્ચા જાતિના હતા, તે સિવાય સિક્કિમના પ્રાચીન ઇતિહાસ વિશે કોઈ વધુ જાણકારી ઉપલબ્ધ નથી. સિક્કિમનો સૌથી પ્રાચીન ઉલ્લેખ બૌદ્ધ સાધુ પદ્મસંભવ (ગુરુ રીન્પોચે)ના ૮મી સદીના લખાણમાં મળે છે. જેમાં તેઓ સિક્કિમમાંથી પસાર થયા હોવાનો ઉલ્લેખ છે. ગુરુ પદ્મસંભવે તે ભૂમિને આશીર્વાદ આપ્યા હતા, ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાવ્યો અને ભવિષ્યવાણી કરી હતી કે અમુક સદીઓ બાદ સિક્કિમમાં રાજાશાહી આવશે. એક પરીકથા અનુસાર ૧૪મી સદીના પૂર્વી તિબેટના ખામ ક્ષેત્રના મિનયાક કુળના રાજકુમાર ખ્યે બમ્સાને દિવ્ય સાક્ષાત્કાર થયો, જેમાં તેને દક્ષીણ તરફ પ્રવાસ કરીને ત્યાં સંપત્તિ પ્રાપ્ત કરવાનો આદેશ હતો. ખ્યે બમ્સાની પાંચમી પેઢીના વારસ ફુનત્સોગ નામગ્યાલે ૧૬૪૨માં સિક્કિમ રાજની સ્થાપના કરી અને યુક્સોમના ત્રણ આદરણીય લામાઓ દ્વારા તેમનો રાજ્યાભિષેક કરી તેમને પ્રથમ છોગ્યાલ, પુજારી-રાજા બનાવવામાં આવ્યા.